Pages

Search This Website

Tuesday, November 16, 2021

ક્રિપ્ટોકરન્સી દેશની આર્થિક અને નાણાકીય સ્થિરતા સામે ખતરો : દાસ








સપ્તાહમાં બીજી વખત આરબીઆઈના ગવર્નર દાસનું ક્રિપ્ટોકરન્સી વિરૂદ્ધ નિવેદન

ક્રિપ્ટોકરન્સી સાથે અનેક મુદ્દાઓ સંકળાયેલા હોવાથી તેના પર ગંભીર વિચારણા જરૂરી : આરબીઆઈ ગવર્નર

અમદાવાદ : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણા મંત્રાલયની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ક્રીપ્ટોકરન્સી સાથે જોડાયેલા વિવિધ નિષ્ણાતો, વિવેચક અને એક્સચેન્જ ચલાવતા વર્ગ સાથે ચર્ચા બાદ મંગળવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરે ફરી એક વખત જણાવ્યું છે કે દેશની આર્થિક અને નાણા બજારની સ્થિરતાના કારણે એક સેન્ટ્રલ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને તેની સામે ગંભીર ચિંતાઓ છે.

એક કદમ આગળ વધતા તેમણે ઉમેર્યું હતું કે દેશમાં બહુ મોટી સંખ્યામાં ક્રીપ્ટોના ખાતા છે તેની સાથે પોતે સહમત નથી તેમજ બ્લોકચેઈન ટેકનોલોજી દસ વર્ષથી છે અને તે ટેકનોલોજી ક્રીપ્ટોકરન્સી સિવાય પણવિકાસ પામી શકે એમ છે.

'જયારે સેન્ટ્રલ બેંક જણાવે છે કે અમને આર્થિક અને નાણાકીય રીતે આ અંગે ગંભીર ચિંતાઓ છે તો એનો મતબલ થયો કે તેની સાથે ઘણી ઊંડી બાબતો જોડાયેલી છે,' એમ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાન્તા દાસે આજે મુંબઈ ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત બેન્કિંગ અને ઇકોનોમિક કોન્કલેવમાં ભાગ લેતા જણાવ્યું હતું.

ગવર્નરે ઉમેર્યું હતું કે અત્યારે જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાં આ મહત્વની બાબતો કે ક્રીપ્ટો સંબંધિત ઊંડી ચર્ચાનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે સ્ટેન્ડિંગ કમિટી કે સરકારમાં જે ચર્ચા ચાલી રહી છે તેની વિગતોથી પોતે અજાણ છે. 'મારા વિચારો રિઝર્વ બેંકની આંતરિક ચર્ચા અને અભ્યાસના આધારે છે. દેશની સેન્ટ્રલ બેંક એક વખત કહે કે ગંભીર ચિત્નાઓ છે તો એમ સમજવું જોઈએ કે તેમાં બહાર ચર્ચા ચાલે છે તેના કરતા ઘણા ઊંડા મુદ્દાઓ છે,' એમ ગવર્નરે જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોથી રિઝર્વ બેન્કે ક્રીપ્ટોકરન્સી અંગે કડક વલણ અપનાવેલું છે. વર્ષ 2018માં એક સર્ક્યુલર હેઠળ નાણા સંસ્થા અને બેંકોને ક્રીપ્ટોકરન્સી સાથે જોડાયેલા વ્યવહારો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, આ સર્ક્યુલર સુપ્રીમ કોર્ટે રદ્દકરવાનો આદેશ આપ્યો હતો.

તાજેતરમાં જ નાણાકીય વ્યવહારોની છૂટ હોવા છતાં બેંકો અને નાણા સંસ્થાઓને ક્રીપ્ટોસાથે જોડાયેલા ગ્રાહકોના કેવાયસી, મની લોન્ડરીંગ અને અને અન્ય નિયમોનું ચુસ્ત પાલન કરવા આદેશ આપ્યો હતો. ભારતમાં અત્યારે ક્રીપ્ટોકરન્સી ઉપર કોઇપણ પ્રકારના નિયંત્રણ નથી, આ ચલણ ખરીદવા કે વેચવાની સવલત આપતા એક્સચેન્જ ઉપર પણ કોઈ સંસ્થા કે સરકારી એજન્સીનું નિયંત્રણ નથી.




એક વ્યક્તિથી બીજા વ્યક્તિ વચ્ચે મધ્યસ્થી વગર આ ડીજીટલ ચલણ ટ્રાન્સફર થઇ શકતા હોય, તેને કોઈપણ દેશની સરકાર કે સેન્ટ્રલ બેન્કે ચલણ તરીકે માન્યતા નહી આપી હોવાથી તેનો ગેરઉપયોગ, બ્લેક માર્કેટિંગ, ડ્રગટ્રાફિકિંગમાં ઉપયોગ શક્ય હોય એવી ચર્ચા વચ્ચે આ બેઠક થઇ હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિયંત્રણ મુકવાની અને ક્રીપ્ટોકરન્સીનો ગેરઉપયોગ રોકવાની આગાઉની બેઠકમાં તરફેણ કરી હતી

સોમવારેમોદી સરકારના પૂર્વ રાજ્યકક્ષાના નાણામંત્રી જયંત સિંહાના અધ્યક્ષપદે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. સમિતિની બેઠકમાં ક્રીપ્ટો ફાયનાન્સ: તક અને પડકારો અંગે વિવિધ પક્ષોએ પોતાના મત રજુ કર્યા હતા.

આ બેઠકમાં હાજર ઘણા સભ્યો આ પ્રકારના ચલણ ઉપર નિયંત્રણ કે નિયમ આવે તેની તરફેણ કરી પણ તેના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો વિરોધ કર્યો હતો. દરમિયાન, ક્રીપ્ટો એકચેન્જનો એવો દાવો છે કે ભારતમાં ડીજીટલ ચલણમાં ખરીદ વેચાણ કરતા 10 કરોડ ગ્રાહકો છે અને તેમાં લગભગ રૂપિયા છ લાખ કરોડનું રોકાણ છે.

આ આંકડાને રિઝર્વ બેંકના ગવર્નરે વધુ પડતા જણાવ્યા હતા. 'દેશમાં જે લોકોના ખાતા છે તેમાં 70 થી 80 ટકા ખાતા નાના છે. એવા કેટલાક ખાતા કે જેમાં રૂપિયા 500થી રૂપિયા 5000 જ છે. દેશમાં ક્રીપ્ટોકરન્સીનું વોલ્યુમ ચોક્કસ વધ્યું છે પણ ખાતાની સંખ્યાના આંકડા જરા વધારે પડતા છે. ઘણા ખાતા ખોલવા માટે વિવિધ સ્કીમ ચાલી રહી છે,' એમ ગવર્નરે જણાવ્યું હતું.